GujaratAhmedabad

પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત : ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા ક્ષત્રિય સમાજે અસ્મિતા મહાસંમેલનમાં પ્રતિજ્ઞા લીધી

રાજકોટ ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીને લઈને ક્ષત્રિય સમાજ દ્વારા સતત તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જ્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અંદોલન-૨ ની શરૂઆત કરવામાં આવી છે. એવામાં બીજા મોટા સમાચાર સામે આવ્યા છે. બાવળાના ગામડાઓમાં ફરીને ધોળકાના ચંડીસર ગામમાં ક્ષત્રિય સમાજના ધર્મરથનું સમાપન કરવામાં આવ્યું હતું. જ્યાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં મોટી સંખ્યામાં હાજર ક્ષત્રિય અને અન્ય સમાજના લોકો દ્વારા ભાજપ વિરૂદ્ધ મતદાન કરવા મા ભવાનીના સોગંદ લઈ પ્રતિજ્ઞા પણ લેવામાં આવી હતી.

તેની સાથે સંમેલનમાં હાજર ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ભાજપના પીએમઓમાં મે જાતે ફોન કરી રૂપાલાની ટિકિટ રદ કરવાનું જણાવ્યું હતું. પરંતુ ભાજપ દ્વારા ટિકિટ રદ કરવામાં આવી નહીં, એમને એમ હતું કે, આ સમાજ ક્યારેય ભેગો થશે નહીં અને સમાધાન થઈ જશે, તેમની રણનીતિ ઊંધી પડી છે અને સમાજ એક થઈ ગયેલ છે. આ સમાજ તેનો જવાબ સાત તારીખના અને આવનારા દિવસોમાં આપશે.

આ સિવાય આ સંમેલનમાં ક્ષત્રિય સંકલન સમિતિના આગેવાનો અર્જુનસિંહ ગોહિલ, કરણસિંહ ચાવડા દ્વારા જણાવવામાં આવ્યું છે કે, પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન ભાજપને નડશે. જામનગરના જામસાહેબ દ્વારા વડાપ્રધાનનું સન્માન કરવામાં છે એમાં અમે કોઈ સમાધાન કર્યું નથી. અમે આમાંથી હટી જઈએ તો પણ સમાજ મા-બહેનોની અસ્મિતા માટે ક્યારેય સમાધાન કરશે નહીં. આ આપણા નાકનો સવાલ છે અને તેનો પડઘો મતદાન સમયે પડશે.