GujaratMadhya Gujarat

સાબરકાંઠામાં ભાજપની સભામાં કાળા વાવટા ફરકાવી પુરુષોત્તમ રૂપાલા નો વિરોધ

ક્ષત્રિયો સમાજ ના વિરોધ વચ્ચે રાજકોટથી પુરુષોત્તમ રૂપાલા દ્વારા પોતાની ઉમેદવારી નોંધાવી દેવામાં આવી છે. ક્ષત્રિય સમાજ ની માગણી હાલ પુરતી તો સ્વીકારવામાં આવી નથી. પુરુષોત્તમ રૂપાલા દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવામાં આવતા ક્ષત્રિય સમાજમાં તેને લઈને રોષ યથાવત રહેલો છે. એવામાં સાબરકાંઠામાં ઈડર ના દામોદર વિસ્તારમાં ભાજપ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગમાં ક્ષત્રિય સમાજ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. જેમાં ક્ષત્રિય યુવાનો દ્વારા ચાલુ કાર્યક્રમમાં કાળા વાવટા દેખાડી વિરોધ કરવામાં આવ્યો હતા. વિરોધ પ્રદર્શનમાં ઉમેદવાર સહિત ભાજપ હાય હાય ના નારા પણ લગાવવામાં આવ્યા હતા.

તમને જણાવી દઈએ કે, ઘણા સમયથી પુરુષોત્તમ રૂપાલાના ઉમેદવાર મામલે વિરોધ યથાવત રહેલો છે. ક્ષત્રિય સમાજનો વિરોધ આગામી સમયમાં ભાજપને ભારે પડી તેવી શક્યતા છે. ઈડરમાં વિરોધ થતાં સ્થાનિકો ભાજપ નેતાઓની હાલત કફોડી બની ગઈ છે. આગામી સમયમાં ઈડર બાદ અન્ય તાલુકાઓમાં પણ વિરોધ થવાની શક્યતા રહેલી છે. વિરોધ કરી રહેલા ક્ષત્રિય સમાજના યુવાનોને પોલીસ દ્વારા અટકાયત કરી ઈડર પોલીસ સ્ટેશન લઇ જવામાં આવ્યા હતા.

પુરુષોત્તમ રૂપાલાના ઉમેદવારી ફોર્મ ભરતા હવે સંકલન સમિતિ દ્વારા ભાજપના સ્પષ્ટ બહિષ્કાર સાથે ની રણનીતિ જાહેર કરવામાં આવી હતી. તેની સાથે જ પાર્ટ-2 ની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. સંકલન સમિતિ દ્વારા 16 એપ્રિલના પ્રેસ કોન્ફરન્સ કરીને રૂપાલા વિરુદ્ધના આંદોલનને હવે ભાજપ વિરુદ્ધ નું આંદોલન બનાવવાની રણનીતિ જાહેર કરવામાં આવી હતી.

તમને જણાવી દઈએ કે, રામનવમી નિમિતે ભગવાન શ્રીરામ રાજ્યના ઘોષ સાથે પુરુષોત્તમ રૂપાલા નહીં, પરંતુ હવે ભાજપ સામેની રણનીતિ જાહેર કરવામાં આવી હતી. તેની સાથે રામનવમીથી આંદોલનના  દ્વિતીય ચરણમાં હવેથી ભાજપનો સ્પષ્ટ બહિષ્કાર કરાશે. ગુજરાતમાં જ્યા જ્યા પણ ભાજપની સભાઓ-કાર્યક્રમ થશે ત્યાં ક્ષત્રિય સમાજ દ્વારા કાળા વાવટા ફેરવી શાંતિપૂર્વક ભાજપના કાર્યક્રમનો વિરોધ કરાશે. ગુજરાતના ક્ષત્રિયો વસતા દરેક ગામોમાં ભાજપ વિરૂદ્ધ મતદાન કરવાના બેનર લગાવાશે. 19 એપ્રિલ સુધી જો રૂપાલાનું ફોર્મ પરત ખેંચવામાં ન આવે તો આગામી 7 મે સુધી સમગ્ર ગુજરાતમાં ભાજપ વિરોધમાં  પ્રચાર ઝુંબેશ શરૂ કરાશે. જ્યારે 7 મે ના થનારી લોકસભા ચૂંટણીમાં ભાજપનો બહિષ્કાર કરીને વિરોધમાં ઉભેલા સક્ષમ ઉમેદવારને મત આપવાની અપીલ કરાશે. દરેક ક્ષત્રિય તથા ક્ષત્રિય સમાજને સમર્થન આપનાર દરેક સમાજને સાથે લઈને સમગ્ર ગુજરાતની 26 લોકસભા સીટ ઉપર ભાજપ વિરૂદ્ધમાં મતદાન કરાવવામાં આવશે. જ્યારે આગામી 19 એપ્રિલના સાંજે 05 કલાકના સંકલન સમિતિ દ્વારા આગામી કાર્યક્રમો નક્કી કરીને ફરી જાહેરાત કરાશે.