પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ યથાવત, જામનગરમાં ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન સાથે 500 કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાયા
રાજકોટના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજ અંગે કરવામાં આવેલ ટિપ્પણીને લઇ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ રહેલો છે. તેના લીધે રાજપૂત સમાજ દ્વારા સતત તેને લઈને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ત્યારે લોકસભા ચૂંટણી પહેલા જામનગરમાં ભાજપ માટે ચિંતાના વધારનાર સમાચાર સામે આવ્યા છે. જ્યારે એક તરફ ભાજપના કાર્યકરો કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે બીજી તરફ જામનગરમાં ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન પણ યોજવામાં આવ્યું હતું.
જાણકારી મુજબ, જામનગર માં ભાજપના નેતા હરેન્દ્રસિંહ જાડેજા સહિત 500 થી વધુ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા હોવાના સમાચાર સામે આવ્યા છે. પ્રદેશ કોંગ્રેસના નેતા ની હાજરીમાં ભરતી અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ અગાઉ પણ અનેક ભાજપ નેતાઓ કોંગ્રેસમાં જોડાઈ ચૂકેલ છે. તેની પાછળનું મુખ્ય કારણ પુરુષોત્તમ રૂપાલા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તેની સાથે જામનગર ના ખીજડીયા બાયપાસ પાસે રાજપૂત સમાજનું અસ્મિતા મહા સંમેલન યોજવામાં આવ્યું હતું. જેમાં ભાજપ વિરુદ્ધ મતદાન કરવાની હાકલ કરવામાં આવી હતી. જેમાં રાજપૂત સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. સંમેલનમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજપૂત સમાજ કોઈપણ ભોગે નમવા તૈયાર રહેલ નથી.
નોંધનીય છે કે, 7 મી મેના રોજ યોજનાર મતદાનમાં વધુમાં વધુ ભાજપ વિરુદ્ધ મતદાન થાય તે કારણોસર રાજપૂત સમાજના ભાઈઓ તેમજ બહેનો વહેલી સવારથી જ મતદાન કરવા માટે મતદાન કેન્દ્ર ખાતે પહોંચી જાશે. રાજપૂત સમાજ દ્વારા અસ્મિતા ધર્મ રથ ગામડે-ગામડે ફેરવવામાં આવી રહ્યો છે અને પાર્ટ-3 પણ ટૂંક સમયમાં શરૂ કરાશે.