GujaratJamnagarSaurashtra

Sajuba Government Girls High School: જાણો 87 વર્ષથી ભવ્ય વારસાને વ્યક્ત કરતી, અડીખમ રાજાશાહી વખતની સજુબા હાઇસ્કુલનો ઇતિહાસ.

Sajuba Government Girls High School

Jamnagar: જામનગરમાં સજુબા સરકારી ગર્લ્સ હાઇસ્કુલ નો 12 જાન્યુઆરી 1936 ના રોજ સ્વામી વિવેકાનંદજીની જન્મ જયંતી નિમિત્તે પ્રારંભ થયો હતો. 87 વર્ષથી અનેક દીકરીઓના જીવનમાં શિક્ષણનો પ્રકાશ પાથરનારા સ્કૂલનો 88 માં વર્ષમાં પ્રવેશ થયો છે. જે નિમિત્તે શાળા પરિવાર દ્વારા મોટી ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમયે સાંસ્કૃતિક અને શૈક્ષણિક કાર્યક્રમ યોજવામાં આવ્યા હતા.

આ પ્રસંગે શાળાની વિદ્યાર્થીનીઓ દ્વારા શાળાનું ઐતિહાસિક મહત્વ અને ભવ્ય વારસો દર્શાવતી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. ઉપરાંત શાળામાં અભ્યાસ કરી ચુકેલી ભૂતપૂર્વ વિદ્યાર્થીનીઓ કે જેઓ વિવિધ ક્ષેત્રમાં સફળતા મેળવી શાળા અને જામનગરનું ગૌરવ વધાર્યું છે, તેઓને યાદ કરી તેમની ગૌરવગાથા પણ વર્ણવવામાં આવી હતી.

આ કન્યા વિદ્યાલય ભવ્ય રાજમહેલ સમાન છે :- જામનગર સહિત કાઠીયાવાડ, સૌરાષ્ટ્રની દીકરીઓ શિક્ષણથી વંચિત ન રહે તે હેતુથી જામનગરના રાજવી જામ રણજીતસિંહના શાસન સમયે સજુબા સ્કૂલનો પાયો નાખવામાં આવ્યો હતો. રાજાશાહી વખતમાં શહેરની અન્ય શાળાઓમાં કુમાર-કન્યાનું સહ શિક્ષણ હોવાથી મોટાભાગના વાલીઓ પોતાની દીકરીઓને શાળાએ ભણવા માટે મોકલવાનું પસંદ કરતા નહોતા, માટે કન્યા કેળવણીને વેગવંતી બનાવવા માટે જામ રણજીતસિંહના શાસનકાળ દરમિયાન દીકરીઓના શિક્ષણના હેતુસર ભવ્ય રાજમહેલ સમાન આ કન્યા વિદ્યાલયનું નિર્માણ કાર્ય શરૂ કરવામાં આવ્યું હતું.

88 માં વર્ષમાં પ્રવેશી સજુબા સ્કૂલ :- ઈસ. 1936 ની 12મી જાન્યુઆરીના રોજ સ્વામી વિવેકાનંદજી ની જન્મ જયંતી જેવા પાવન દિવસે નવા નગર સ્ટેટના મહારાજા જામ સાહેબ દિગ્વિજયસિંહના હસ્તે આ શાળાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં 87 વર્ષ પૂર્ણ કરી 88માં વર્ષમાં પ્રવેશતી આ શાળાની પ્રાચીન ભવ્ય ઈમારત આજ સુધી તેના ભવ્ય વારસાને વ્યક્ત કરતી અડીખમ ઉભી છે.