કોલકાતામાં જુનિયર મહિલા તબીબ પર દુષ્કર્મ કેસને લઈ ડોક્ટરો સહિત લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દેશભરના અનેક શહેરમાં જુનિયર ડોકટરો અને તબીબી વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે ડોક્ટર સહિત તમામ નાગરિકો દ્વારા આરોપીને ફાંસીની સજા આપવામાં આવે ની માંગ કરવામાં આવી છે. જ્યારે આ ઘટનાને લઈને ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે. એવામાં આ બાબતમાં અમદાવાદ, વડોદરા, સુરત, જામનગર, રાજકોટ, ભાવનગર સહિતની વિવિધ હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવેલ છે. તેની સાથે માત્ર ઇમરજન્સી વોર્ડ જ ચાલુ રખાશે.
આ ઘટનાને લઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં બી. જે મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરો દ્વારા રેલી યોજી આજથી ગુજરાતની હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. તેની સાથે જ્યાં સુધી કોલકાતાના ડોક્ટર પર થયેલા હુમલા મામલામાં સંતોષકારક જવાબ મળશે નહીં ત્યાં સુધી સેવા બંધ રખાશે. માત્ર ઇમરજન્સી સેવા જ ચાલુ રખાશે. જેમાં 1500 પૈકી 750 રેસિડેન્ટ ડોક્ટર ઇમર્જન્સીમાં સેવા આપવામાં આવશે. આ સિવાય ગુજરાતમાં અનિશ્ચિત સમય સુધી ઇન્ટર જુનિયર ડોક્ટર અને સિનિયર રેસિડેન્ટ ડોક્ટર ઓપીડી સારવાર બંધ રાખવામાં આવશે
જ્યારે આ સિવાય જામનગર સિવિલ હોસ્પિટલમાં એમ. પી. શાહ મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ અને જુનિયર ડૉકટરો દ્વારા ધરણાં કરી કોલેજ કમ્પાઉન્ડ માં રેલી યોજવામાં આવી હતી. ડોકટરો દ્વારા જીજી હોસ્પિટલોમાં OPD અને વોર્ડ સર્વિસ બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જામનગર સિવિલ ના 500 જુનિયર તબીબો દ્વારા હડતાળ પાડવામાં આવી હતી.
તેની સાથે રાજકોટ સરકારી હોસ્પિટલમાં ડોક્ટરો અને રેસિડેન્ટ ડોક્ટરો હડતાળ પર ઉતરી આવ્યા હતા. ડોક્ટરો OPD તથા વોર્ડ સર્વિસથી દૂર અડતા રહ્યા હતા. તેના લીધે દર્દીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. તેની સાથે વડોદરામાં કલકત્તામાં ડોક્ટરની હત્યાના મામલે આજે વડોદરા સયાજી હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા કેમ્પસમાં રેલી કાઢી વિરોધ કરવામાં આવ્યો હતો. જ્યારે હત્યા કરનારાને પશ્ચિમ બંગાળ સરકાર દ્વારા સજા ફટકારવામાં આવે તેની માંગણી કરવામાં આવી હતી.