GujaratJamnagarSaurashtra

પત્ની મેલી વિદ્યા કરાવતી હોવાની શંકા રાખીને પત્ની અને પુત્ર પર જીવલેણ હુમલો કરીને પતિએ કર્યો આપઘાતનો પ્રયાસ

જામનગર જિલ્લામાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં પત્ની મેલી વિદ્યા કરતી હોવાની શંકા જતા પતિએ તેની પત્ની તેમજ ઝઘડામાં વચ્ચે પડેલા પુત્ર પર પણ છરી વડે જીવલેણ હુમલો કર્યો અને ત્યાર પછી પતિએ તે જ છરી વડે ખુદના ગળાના ભાગે ઘા કરીને આપઘાત કર્યો હોવાનું સામે આવ્યું છે. હાલ તો આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશન પહોંચતા પોલીસે આ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, જામનગર જિલ્લાના લાલપુર તાલુકા ખાતે આવેલ નવી પીપર નામના ગામના પાટીયા પાસે આવેલ ભાટડાવાસમાં રહેતા એક શખ્સને શંકા હતી કે, તેની પત્ની તેના પર મેલી વિદ્યા કરે છે. જેથી પતિ એ ગુસ્સામાં પત્ની પર ધારદાર છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે આ ઝઘડામાં પુત્ર વચ્ચે પડતા પતિએ તેના પર પણ છરી વડે હુમલો કર્યો હતો. જેથી બંને માતા અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ત્યારે તે બંનેને તાત્કાલિક અસરથી સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તો પતિએ પણ પત્ની અને પુત્ર પર હુમલો કર્યા પછી તે જ છરી વડે પોતાના ગળાના ભાગે ઘા કરીને આપઘાત કરવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે પતિને પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જેમાં તેને ગળાના ભાગે 25 જેટલા ટાંકા લેવા પડ્યા છે.

નોંધનીય છે કે, આ સમગ્ર ઘટનાને લઈને જામનગર ગ્રામ્યના DYSP ડી.પી. વાઘેલા પણ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળ પર દોડી આવ્યા હતા. બાદમાં પોલીસે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલ પત્ની સોનીબેન નું નિવેદન નોંધ્યું છે, જેમાં તેમણે જણાવ્યું કે તેમના પતિને શંકા હતી કે તેઓ મેલી વિદ્યા કરાવે છે. માટે તેમણે પત્નીની હત્યા કરી નાખવાના ઈરાદાથી જ છરી વડે હુમલો કર્યો હતો. ત્યારે સોની બેન દ્વારા આપેલા નિવેદન તેમજ ફરિયાદના આધારે લાલપુર પોલીસે સોનીબેન ના પતિ વિરુદ્ધ હત્યાના પ્રયાસ અંગેનો ગુનો નોંધીને પતિની અટકાયત કરી ધરપકડ કરવા માટેની કાર્યવાહી હાથ ધરી છે.